શરૂઆત કરીએ
આવનારી સૌ ખુશીની વાત કરીએ,
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.
હર વખત શું માત થઈ જાવું દુ:ખોથી ?
ચાલ આ વખતે દુ:ખોને માત કરીએ.
બ્હારથી દેખાય જેવી સ્વરછ-સુંદર,
દોસ્ત, અંદરથીય એવી જાત કરીએ.
હોઈએ ત્યાં મ્હેકતું કરીએ બધું યે,
ધર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ.
જે મળ્યું એને કરી સૌથી સવાયું,
આવનારી કાલને સોગાત કરીએ.
- હર્ષ બ્રહ્મભટ્ટ
કવિ હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે. તેઓ મહેસાણાના વતની છે. ઉર્દૂ ગઝલક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ 2010 માટેનો ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એનાયત થયો છે. ઉપરાંત દિલીપ મહેતા પારિતોષિક તેમજ ગઝલસભા, તથા આઇ.એન.ટી., મુંબઇ દ્વારા 'શયદા' એવોર્ડથ સન્માનિત થયા છ
-કૃત્તિઓ
- મૌનની મહેફિલ (કાવ્યસંગ્રહ)
- જીવવાનો રિયાઝ (ગઝલસંગ્રહ)
- ગઝલ
એક ફારસી કાવ્યપ્રકાર છે. એનો અર્થ 'પ્રિયતમાં સાથેની ગુફ્તગુ ' એવો થાય છે. ગઝલમાં બે પંક્તિઓનો એક શેર બને છે. કેટલાક શેર મળીને કૃતિ રચાય છે. ગઝલનો દરેક શેર એક સ્વતંત્ર કાવ્યપંક્તિ છે.ગઝલની વિશેષતા એના રદીફ અને કાફિયા છે, યાને અનુપ્રાસ. ગઝલ માત્રામેળ છંદમાં લખાય છે.
પ્રસ્તુત ગઝલ કવિના ગઝલસંગ્રહ 'જીવવાનો રિયાઝ' માંથી લેવામાં આવી છે, જેમાં દુ:ખોથી હારવાને બદલે દુઃખોનો સામનો કરવાની વાત કરી છે. બહારની સુદરતાની સાથે આંતરિક સૌંદર્ય પણ ખીલવવું એટલું જ જરૂરી છે. આપણને જે મળ્યું છે, તેને અનુકૂળ થઈ ઘર, નગર, અને જગતને મહેકતું કરવાનું છે તેમજ આવતીકાલને ઉજજવળ બનાવવાની શરૂઆત કરવાની છે.
શરૂઆત - જીવનનો ખૂબ મહત્વપૂર્ણ શબ્દ, આપણા જન્મથી એક જીવનની શરૂઆત થાય છે. સમય સાથે જીવનના પડાવોમાં નવી નવી શરૂઆતો થાય છે. બોલતા શીખવવાની શરૂઆત, ચાલવાની, વિચારવાની, ભણવાની વગેરે. જીવનમાં સુખ-દુઃખ,ચડતી-પડતી,તડકો-છાયો આવ્યા જ કરે છે, એ જીવનચક્ર છે.તો વર્તમાનમાં જે વિકટ પરિસ્થિતિ, જે મહામારીનો આપણે સામનો કરી રહ્યા છીએ તેને સૌ સાથે મળીની માત દઈએ, એક બીજને મદદરૂપ થઈ એ.
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ,
ભલે એકબીજાથી હોય એ દુર,
પણ ભાવનાત્મક સહકાર દઇએ.
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.
👌👌👌🔥🔥🔥 supeb
ReplyDeleteThank you
Delete